વડોદરા: દિવાળીના તહેવારોને પગલે ફરસાણ, મીઠાઇ, બેકરી ઉત્પાદકો પર ફૂડ વિભાગના દરોડા
  • 5 years ago
વડોદરા: વડોદરા મહાનગરપાલિકાના ફૂડ વિભાગે આજે ફરસાણ, મીઠાઇ અને બેકરીની દુકાનો તેમજ તેમના ઉત્પાદક એકમો ઉપર દરોડા પાડ્યા હતા જેમાં 11 કિલો અખાદ્ય ચીજવસ્તુઓનો નાશ કર્યો હતો અને 8 વેપારીઓને નોટીસો ફટકારી હતી આ કામગીરી આગામી દિવાળીના તહેવારને ધ્યાનમાં લઇને કરવામાં આવી હતી
શિડ્યુલ-4 મુજબ 8 ફેક્ટરીઓને નોટિસ ફટકારી
દિવાળીના તહેવારોને ધ્યાનમાં લઇને પાલિકાના આરોગ્ય વિભાગના ફૂડ વિભાગની 4 ટીમો દ્વારા મકરપુરા, કારેલીબાગ, બરાનપુરા, હરણી, છાણી, આજવા રોડ અને કાલુપુરા સહિત વિવિધ વિસ્તારોમાં ફરસાણ, મીઠાઇ, બેકરીની દુકાનો તેમજ ઉત્પાદક એકમો ઉપર ચેકિંગ કરવામાં આવ્યું હતું અને શિડ્યુલ-4 મુજબ 8 ફેક્ટરીઓને નોટિસ ફટકારી હતી
નમૂના પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી અપાયા
ફૂડ ઇન્સ્પેક્ટર્સેએ જણાવ્યું હતું કે, મીઠાઇમાં માવો કેવા પ્રકારનો વાપરવામાં આવી રહ્યો છે ફરસાણમાં તેલ કેવા પ્રકારનું વાપરવામાં આવી રહ્યું છે તેમજ બેકરીમાં લોટ કેવા પ્રકારનો વાપરવામાં આવી રહ્યો છે તેમજ ઉત્પાદન એકમો અને દુકાનોમાં સ્વચ્છતા જળવાઇ છે કે નહીં, તે તમામ પ્રકારનું ચેકિંગ કરવામાં આવ્યું હતું મોટાભાગની દુકાનો અને ઉત્પાદન એકમોમાંથી લોટ, તેલ, ઘી, માવો સહિતના નમૂના લેવામાં આવ્યા છે આ નમૂના પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે
વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દિવાળીના તહેવારોમાં ફરસાણ, મીઠાઇ, બેકરીની આઇટમોનું વધુ વેચાણ થાય છે, ત્યારે શહેરીજનોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ચીજવસ્તુઓ મળી રહે તે માટે છેલ્લા બે દિવસથી આ કામગીરી ચાલુ કરવામાં આવી છે આ કામગીરી દિવાળીના દિવસો સુધી ચાલશે જે કોઇ વેપારીની ત્યાંથી અખાદ્ય ચીજવસ્તુઓ મળી આવશે તો તેનો સ્થળ પર નાશ કરવામાં આવશે અને વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે
Recommended