હવામાનમાં પલટો આવતા સૌરાષ્ટ્રમાં કેરી પકવતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા, હાલ મોર બંધાવાની પ્રક્રિયા ચાલુ

  • 4 years ago
રાજકોટ:હવામાન વિભાગની વરસાદની આગાહીને લઇને સૌરાષ્ટ્રમાં કેરી પકવતા ખેડૂતો ચિંતિત બન્યા છે આજે દ્વારકા અને ભાવનગરમાં કમોસમી વરસાદ પડ્યો છે જ્યારે ગીર સોમનાથ જિલ્લામાં સવારે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને વરસાદી માહોલ બંધાયો છે આથી સૌરાષ્ટ્રમાં કેરી પકવતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે કારણ કે હાલ આંબામાં મોર બંધાવાની પ્રક્રિયા ચાલુ છે અને દરેક આંબામાં પુષ્કળ મોર જોવા મળી રહ્યો છે

ચોમાસું ઓક્ટોબર સુધી રહેવાને લીધે આમેય કેરીની સિઝન 1 મહિનો મોડી ચાલે છે

જૂનાગઢમાં રહેતા અને કેરી પકવતા ખેડૂત અતુલભાઇ શેખડાએ જણાવ્યું હતું કે, આ વર્ષે વધારે વરસાદને કારણે જે કેરીનો પાક છે તે એક મહિનો મોડો આવ્યો હતો કારણ કે વધારે વરસાદ અને ઠંડીને કારણે જમીન ઠંડી પડી ગઇ છે આથી આંબામાં મોર બંધાવાની પ્રક્રિયા છે તે દર વર્ષ કરતા એક મહિનો મોડી છે ચોમાસું ઓક્ટોબર સુધી રહેવાને લીધે આમેય કેરીની સિઝન 1 મહિનો મોડી ચાલે છે

અત્યારે મોર બેસી ગયા અને કેરીનો પાક સારો થવાની બગીચા માલિકોને આશા

અતુલભાઇએ વધુમાં જણાવ્યું હતું કે, હાલના સમયમાં આંબામાં મોર ખૂબ જ મોટા પ્રમાણમાં આવ્યો છે તેમાં ઝીણી ઝીણી કેરી બંધાવાનું શરૂ પણ થઇ ગયું છે અને તેને મગીયો કહેવામાં આવે છે જો કોઇ કુદરતી આફત ન આવે તો કેરીનું ઉત્પાદન બહુ સારૂ આવશે કેરી પકવતા બગીચા માલિકો અને ખેડૂતોને કેરીનો પાક સારો થવાની આશા છે

ભારે વરસાદ સાથે પવન ફૂંકાશે તો કેરીના પાકને વ્યાપક નુકસાન

પરંતુ આજકાલ હવામાનમાં પલટો આવ્યો છે ક્યારેક વાદછાયું, ક્યારેક ધૂંધળુ વાતાવરણ થાય છે તેને કારણે મોરમાંથી કેરી બંધાવાની પ્રક્રિયા છે તેમાં નુકસાન થાય છે જો આગામી સમયમાં વરસાદ થાય તો નુકસાન થવાની પૂરી શક્યતા છે જો કે કેવો વરસાદ થાય છે તે કુદરત પર આધારિત છે આથી કેરી એક મહિનો લોકોને મોડી મળશે વાતાવરણમાં કેવા પરિવર્તન આવે છે તેના ઉપર કેરીનો ઉતારો કેટલો રહેશે તેનો પછી ખ્યાલ આવે છે પાક સારો આવશે તેવી આશા રાખીએ છીએ જો કોઇ કુદરતી નુકસાની ન આવે તો

નાઘેર પંથકની આંબાવાડીમાં થ્રીપ્સના ઉપદ્રવથી ધરતીપુત્રો ચિંતિત

ઉના-ગીરગઢડા પંથકમાં કેસર કેરીના બગીચાઓ આ વિસ્તારમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે હાલ આંબાની ખેતી ધરાવતો વિસ્તાર મોટો હોય જેમાં કેસર કેરીના પાકને વાતાવરણના કારણે થ્રિપ્સ નામના જંતુનો ભારે ઉપદ્રવના કારણે આ વિસ્તારના મોટાભાગના કેસર કેરીના આંબાના પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે ત્યારે આંબાના બગીચા ધરાવતા અને ઇજારો રાખી વ્યવસાય ધરાવતા ખેડૂતોમાં ચિંતાની લાગણી જોવા મળી હતી આંબાના ઝાડમાં નાની ખાખડી કેરીઓ આવવાની શરૂઆત થઇ છે પરંતુ વાતાવરણના કારણે પાકનો નાશ થવાથી કેરીની આવક ઓછી થશે અને કેસર કેરીની આવક પણ મોડી અને મેં માસમાં આવશે ઉના તાલુકાના 2000 હેક્ટરમાં તેમજ ગીરગઢડાના 780 હેક્ટરમાં આંબાનુ વાવેતર હોય પરંતુ આ વિસ્તારમાં વાતાવરણમાં પલ્ટો આવતા મોટાભાગના આંબાના પાકને ભારે નુકસાન થયું છે

મગીયો બંધાવાથી ભારે નુકસાન: મુકેશભાઇ

અંજાર રોડ પર રહેતા આંબાનો વ્યવસાય ધરાવતા મુકેશભાઇ વાજાએ જણાવ્યું હતું કે, શિયાળાની ભારે ઠંડી અને હાલ ઝાકળ વર્ષાથી વાતાવરણના કારણે આંબામાં મોર બળીને સાફ થઇ ગયો છે જેના કારણે આ વર્ષે કેસર કેરી ઉતરે તેવી સ્થિતિ જોવા મળતી નથી અને ભારે નુકસાન થયું હોવાથી સરકાર સહાય ચૂકવે તેવી માંગ સાથે ચિંતા વ્યક્ત કરી હતી

છેલ્લા સાત વર્ષથી ઓછુ ઉત્પાદન: કાળુભાઇ

મોઠા ગામે રહેતા આંબાની ખેતી ધરાવતા કાળુભાઇ ગોહિલે જણાવ્યું હતું કે મારે 20 વીઘામાં આંબાના ઝાડ આવેલા છે પરંતુ ઓણસાલ શિયાળામાં ઠંડી વધુ પડી હોવાથી અને રાત્રે ઝાકળ, દિવસે તાપના કારણે કાળો મગીયો પડતા આને સુકારો રોગ કહેવાય છે છેલ્લા સાત વર્ષથી ઓછુ ઉત્પાદન થાય છે જેથી ભારે નુકસાની ભોગવી પડી છે

અધિકારોઓનો એક બીજા પર ખો

ઉના-ગીરગઢડા તાલુકા વિસ્તારમાં આંબાની ખેતી કેટલા હેક્ટરમાં આવેલી છે તે બાબતે ઉના બાગાયત અધિકારી, ઉના ટીડીઓ તેમજ વિસ્તરણ અધિકારીને આ બાબતે સંપર્ક કરતા એક બીજા પર ખો આપી અને આ માહિતી જિલ્લામાંથી મળી જશે તેવું જણાવ્યું હતું અંતે ગીરસોમનાથ જિલ્લાની કચેરીમાંથી આંકડો મળ્યો હતો પરંતુ આ આંકડો માન્ય ન હોવાનું જણાવ્યું હતું

ક્યાં વિસ્તારમાં વધુ આંબાનુ વાવેતર છે

ઉનાના અંજાર, કોઠારી, સામતેર, ગરાળ, મોઠા, સનખડા, ગાંગડા તેમજ ગીરગઢડા, થોરડી, ભાખા, જામવાળા સહિતના 30થી વધુ ગામોમાં આંબાનું વાવેતર વધુ હોય પરંતુ ઓણસાલ આંબામાં થ્રિપ્સ નામના જંતુનો ભારે ઉપદ્રવથી ભારે નુકસાન થયું છે આ ઉપદ્રવને નાશ કરવા કોઇ ઉપાય જ નથી તેવું જાણવા મળ્યું છે થ્રિપ્સ નામના જંતુનો નાશ કરવા માટે ફિપોનીલ 5 ટકા SC, લાંબડા સાયહેલોથ્રિન 49 ટકા CS, સ્પીન ટોરમ 119 ટકા SC, સ્પીનોસેડ 45 ટકા SC નામનો દવાનો છંટકાવ કરવાથી થ્રીપ્સનો ઉપદ્રવ ઘટવાની શક્યતા છે

Recommended